એક પણ રૂપિયો ન લેતું ગુજરાતનું એક માત્ર સદાવ્રત કાણે કર્યુ હતું શરૂ?

By sandesh.com 10/09/2015
રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર સંવત 1856ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. પિતાજીએ શાળામાં દાખલ કર્યા, પરંતુ ભણવામાં તેમનું મન લાગતું ન હતું. તેમનું ધ્યાન સાધુ-સંતોમાં જ પરોવાયેલું રહેતું. જલારામ બાપા ચૌદ વર્ષના થયા ત્યારે શાળામાંથી ઉઠાડીને પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા. જલારામ બાપા જ્યારે પણ કોઈ સાધુ-સંતને મળતા ત્યારે તેમનો હાથ પકડીને ઘરે જમવા લઈ આવતા. આ જોઈને તેમના પિતાને ચિંતા થતી કે પોતાનો દીકરો ક્યાંક સાધુ ન બની જાય, તેથી તેમણે આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમનાં લગ્ન કરાવી દીધાં.


જલારામ બાપાને મન સંસાર સાધુ-સંતોની સેવા કરવા માટે હતો. જૂનાગઢના માર્ગમાં વીરપુર આવતું હોવાને કારણે સાધુ-સંતો જલારામ બાપાને ત્યાં રોકાતા અને ભોજન કરતા. જલારામ બાપા જરૂરિયાતની વસ્તુ પણ તેમને આપતા. આ જોઈ જલારામ બાપાને પિતાએ ઘરથી જુદા કરી નાખ્યા. હવે જલારામ બાપા કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યા. ધીરે ધીરે દુકાનમાંથી તેમનું ચિત્ત ઊઠી ગયું. તેમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ જાગ્યો. માત્ર સત્તર વર્ષની ઉંમરે તેઓ જાત્રા પર નીકળી પડયા. જાત્રાએથી આવીને જલારામ બાપા ભોજા ભગતનાં દર્શને ગયા. જુગ-જુગની ઓળખાણ જાગી પડી અને જલારામ બાપા ભોજા ભગતના પગમાં પડયા ને તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી અને રામમંત્ર આપ્યો. વૈકુંઠ સિધાવ્યા ત્યાં સુધી તેમણે રામનામ જપ્યું.

ધન્ય છે વીરબાઈને સદાવ્રત શરૂ થયાને થોડા દિવસ થયા હશે, એવામાં એક દિવસ સંત મહાત્મા આવી ચડયા. બાપાની 'સંતસેવા' જોઈને તેમણે એક લાલજીની મૂર્તિ આપીને કહ્યું, 'ભગત આની સેવા કરજો'. શ્રીહરિ તમને ક્યારેય રિદ્ધિ-સિદ્ધિની ખોટ નહીં આવવા દે. તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે હનુમાનજી સ્વયં પ્રગટ થશે. ત્યારબાદ બાપા અંતઃકરણપૂર્વક ભક્તિભાવથી લાલજી અને હનુમાનજીને પૂજવા લાગ્યા. ત્યાં નાનકડા આશ્રમ જેવું બની ગયું. એક વાર વધારે સંખ્યામાં સાધુ-સંતો આવી ચડયા. ઘરમાં સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો. આથી પરિસ્થિતિને પામીને વીરબાઈએ ભગતને બોલાવી માવતરના ઘરની સોનાની સેર પોતાની ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દઈને કહ્યું, "ભગત, મૂંઝાશો નહીં. આ સેર વેચી આવો અને આંગણે આવેલા સંતોને રોટલો ખવડાવો." આ સાંભળી ભગત મનમાં પ્રસન્ન થઈ બોલ્યા, "ઓહોહો! શું દિલ છે આ બાઈનું. એનાં તો અંતરનાં કમાડ ઊઘડી ગયાં છે."

તવંગર હોય કે ગરીબ કોઈ પણ સ્ત્રીને પોતાનાં ઘરેણાંનો મોહ જરૂર હોય છે, પરંતુ વીરબાઈએ ઘરેણાંનો લેશમાત્ર મોહ ન રાખીને આંગણે આવેલા અતિથિને રોટલો મળી રહે તે માટે પોતાની સેર વેચવા આપી દીધી. ધન્ય છે વીરબાઈને જેમણે પોતાના પતિના સતકાર્યમાં તન, મન અને ધનથી સેવા આપી.
 

ભગતને બાપાનું બિરુદ મળ્યું

વીરપુર ગામમાં હરજી નામનો એક દરજી રહેતો. તે સુખી સંપન્ન હતો. તેને કોઈ વાતની ખોટ ન હતી, પરંતુ તેને પેટમાં કંઈક દરદ રહેતું હતું. એક વાર હરજીએ જલારામ બાપા પાસે આવીને કહ્યું, "હે જલાભગત, હું મારા પેટના દરદથી કંટાળ્યો છું. મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ મણ દાણા દઈશ." જલારામ બાપાએ કહ્યું, "તમારું દરદ જરૂર મટશે ભાઈ. ઠાકોરજી પર શ્રદ્ધા રાખો." એ દિવસથી હરજીના પેટનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં તો તે એકદમ સાજો થઈ ગયો. તે પોતાના વચન પ્રમાણે પાંચ મણ દાણા લઈને ભગત પાસે ગયો અને દાણા ભગતનાં ચરણોમાં મૂકી એ ભગતને પગે લાગ્યો અને બોલ્યો, "બાપા, તમે મને સાજો કર્યો." એ દિવસથી ભગતને બાપાનું બિરુદ મળ્યું અને સૌ લોકો તેમને જલારામ બાપા તરીકે સંબોધવા લાગ્યા.

બાપાનો દેહત્યાગ

વીરબાઈ સંવત ૧૯૩૫ના કારતક વદ નોમ અને સોમવારે વૈકુંઠ સિધાવ્યાં. બાપાએ સાત દિવસ સુધી એ જગ્યામાં અખંડ રામધૂન કરી. એ દિવસોમાં બાપાને હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો-લાખો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતા. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ તરીકે નીમ્યા. સંવત ૧૯૩૭ મહા વદ દસમ, તારીખ 23-2-1881 ને બુધવારના રોજ બાપાએ ભજન કરતાં કરતાં એક્યાસીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો.

બાપા કેવા લાગતા?

એક ગોરાએ ફોટો પાડવાની નવી દુકાન શરૂ કરી અને પહેલો ફોટો કોઈ સંતનો જ પાડવો છે તેવું નક્કી કર્યું અને સંતની શોધમાં વીરપુર આવી ચડયો. તે બાપા ફોટો પડાવે તે માટે કરગર્યો અને બાપા કોઈને દુઃખી નહોતા કરતા. તેઓ ફોટો પડાવવા તૈયાર થઈ ગયા. ફોટામાં બાપાની એક આંખ મીંચાઈ ગઈ. બાપાનો આ એકમાત્ર ફોટો હતો. બાપા નહીં દુબળા કે નહીં જાડા. નીચે ઘાટે હતા. માથે પાઘડી બાંધતા. ગોઠણ સુધીનું અંગરખું અને ટૂંકી પોતળી પહેરતા. તેમના ડાબા ગાલે લાખું હતું. કપાળમાં તિલક હોય. એક હાથમાં લાકડી રાખતા અને માળા ફેરવતાં રામનામ જપ્યા કરતા.

સદાવ્રતની શરૂઆત

જલારામ બાપાનો સંકલ્પ હતો કે કોઈને બોજારૂપ થવું નહીં ને જાત મહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો. જલારામ બાપા અને વીરબાઈ ખેતરમાં કાયાતૂટ મજૂરી કરતાં. જલારામ બાપાની પાસે ચાલીસ મણ દાણો ભેગો થઈ ગયો. તેમણે પત્ની વીરબાઈને કહ્યું, "ઘરમાં ખાવાવાળા આપણે બે જણ અને આટલા દાણાને ભેગા કરીને શું કરીશું?" ત્યારે જલારામ બાપાના મનની વાતને જાણી ગયેલાં વીરબાઈએ કહ્યું, "રામનું નામ લઈને ભૂખ્યાંને ટુકડો આપવાનું શરૂ કરો. તમે તો જાણો જ છો કે જે દે ટુકડો તેને ભગવાન ઢૂકડો."

જલારામ બાપાએ ગુરુચરણે પ્રાર્થના કરી કે, "મારે સદાવ્રત બાંધવું છે. આપની આજ્ઞાા માગું છું." ગુરુએ પ્રસન્ન થઈને જલારામ બાપાના માથે હાથ મૂકતાં કહ્યું, "દેનાર ભગવાન છે અને લેનારા પણ ભગવાન છે, માટે દીધા કર, દીધા કર" જલારામ બાપાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેમણે સંવત ૧૮૭૬ના મહા સુદ બીજના રોજ સદાવ્રતની શરૂઆત કરી. તે સમયે તેમની ઉંમર માત્ર વીસ વર્ષની હતી, પરંતુ તેમનો સંકલ્પ તેનાથી ઘણો મોટો હતો

5 Comments

  1. Kapil kariya

    pujay bapana charnoma vandan

    jay jalaram

    Reply
  2. Vishal Rajput

    JAI SHRI JALARAM BAPA

    Ram Naam me lin, dekhat sab me Raam,

    Take pad vandan karu Jai shri jalaram.

    shri var Ram chandra ki Jai,

    Pavan Sut Hanuman ki Jai

    Jai Shri Jalaram Bapa Ki Jai.

    Reply
  3. Tejas

    Jay jalaram

    Reply
  4. Ravi Patel

    ।।देने को टुकडा भला लेने  को हरी नाम ताके पद वंदन करु जय जय जलाराम।।

    जय जलाराम

    Reply
  5. sanjay kumar wadhwa

    Jai Jalaram 

    Reply

Leave a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.